ભગવાન
Friday, February 13, 2009
કેટલાક લોકો માને છે કે
ભગવાન જેવું કાંઇ છે જ નહીં
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.
તેઓ માને છે કે મનુષ્યે પોતાના
આશ્વાસન અને આધાર માટે
ઇશ્વરની શોધ કરી છે, જેથી
તે ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.
પણ ભગવાન, હું તો જાણું છું કે તમે છો,
તમે છો તેથી તો હું છું,
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ત્ર ધાર.
લોકો પોતાનામાં જ ડૂબેલા રહે છે.
પોતાથી વીંટળાઇ રહે છે.
પોતાને જ જુએ છે ને પોતાના જ વિચાર કરે છે
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.
તેઓ પોતાની વેદનાની વાતો કરે છે
અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રાતે
કોણે આંસુ વહાવ્યા છે?
કુંદનિકા કાપડીઆ
0
comments
Subscribe to:
Post Comments (Atom)