કોઇને કશી ખબર નથી
Wednesday, February 4, 2009
કોઇને કશી ખબર નથી. - તારક મહેતા
(નોંધઃ આ લેખ થોડા વર્ષો પુર્વે લખાયેલો હોવાથી, તેમાં રાજકીય ક્ષેત્રનું અનુસંધાન પણ તે સમયનું છે)મારો એક મિત્ર છે. ઊંચો, પહોળો અને મોટા પેટવાળો છે. ખાસો પૈસાવાળો છે. એના પૈસા અને પેટની વ્રુદ્દિ સજોડે થતી જાય છે. હવે મને રાજકારણની કશી ગતાગમ નથી. એ વિષે વાતો પણ ગમતી નથી પણ મોટા પેટવાળો મિત્ર રાજકારણ વિષે ચર્ચા કરવાનો આગ્રહ રાખે છે. આમ તો એ વેપારી છે અને આજકાલ રાજકારણીઓ કરતાં વેપારીઓને રાજકારણની વધારે ખબર હોય છે, કારણકે રાજકારણ એક વેપારજ થઇ ગયો છે. "તને કંઇ ખબર નથી, પણ આઇ ટેલ યુ, આ સંઘ કાશીએ નહિં પહોંચે. ચન્દ્રશેખરથી કશું વળવાનું નથી." એ બોલ્યા. "ચન્દ્રશેખરનો સંઘ કાશીએ નહિં પહોંચે તો ભાજપનો રથ પહોંચી જશે". હું એમને ઉશકેરવા ખાતર દલીલ કરું છું. "ત્યારે તને કશી ખબર નથી. પોલીટીકસની એ બી સી પણ તને ખબર નથી. પણ આઇ ટેલ યુ, રાજીવ કોઇને સુખેથી રાજ નહિં કરવા દે. તને ખબર નથી રાજીવ ઉંડા પાણીમાં રમે છે. ચન્દ્રશેખર સમજતા હોય કે એમની સરકાર બીજા ચાર વર્ષ ટકી રહેશે તો એ એનો ભ્રમ છે ભ્રમ. ચન્દ્રશેખરને કશી ખબર નથી. "આપણને શું ફેર પડે છે. દેશનો કારભાર કારકુનો ચલાવે છે. ચન્દ્રશેખર જાય ને દેવીલાલ આવે કે અડવાણી આવે કે રાજીવ આવે - કારભાર એનો એજ રહેવાનો છે." "તો તને કશી ખબર નથી. અમારે વેપારીઓને તો ઘણો ફરક પડે છે. જોયું નહિ? વી.પી. નીચે પડયા એની સાથે રીલાયન્સ ઊંચો ગયો કે નહિં?" "રીલાયન્સ ઊંચો જાય, નીચો જાય, ગમે તેટલો આઘો પાછો થાય પણ દેશ ક્યારે આગળ આવશે?" મેં ગમ્મત ખાતર જ મિત્રને ઉશ્કરવાનું ચાલું રાખ્યું. પણ એનું પરિણામ સારું ન આવ્યું. એમને હાંફ ચઢવા માંડી, પરસેવો જામવા માંડ્યો. એમની બેચેની વધી ગઇ. જીભના લોચા વળવા માંડયા. મને ચિંતા થઇ. "તમને શું થાય છે?" મેં પૂંછ્યું. "શી ખબર યાર," દુઃખી અવાજે એ બોલ્યા. મનુષ્ય સ્વભાવ કેવો વિચિત્ર છે. દિલ્હીથી માંડીને ડાકોર સુધી શું બને છે તેની માહિતી રાખશે. ચન્દ્રશેખર સવારથી રાત સુધીમાં કોને કોને મળ્યા, રીલાયન્સ કેટલો ઊંચોનીચો થયો, સચીન તેંડુલકરે કેટ્લા રન કર્યા, બોક્સીંગમાં કોણ જીત્યું, અમદાવાદ - વડોદરામાં કેટલા મર્યા, રેખાએ બદનક્ષીનો કેટ્લા લાખનો દાવો માંડ્યો, કઇ કઇ ચીજના ભાવ વધ્યા - આ બધી બાબતની રજેરજની માહિતી આપણે રાખીએ છીએ પણ આપણને ક્યા શાક, ક્યા કઠોળ નડે છે તેની આપણને ખબર નથી હોતી. છાપાં વાંચીએ છીએ, રેડીઓ સાંભળીએ છીએ, ટીવી જોઇએ છીએ. દુનિયાભરની બાતમીઓ એકઠી કરીએ છીએ પણ આપણને શરીરમાં ગેસની તકલીફ શાથી થઇ - તો કહીશું, શી ખબર. યાર આપણા શરીરને આપણે વાંચતા નથી. દર સેકન્ડે મને "તને કશી ખબર નથી" સંભળાવનાર મારા મિત્રે મને આખા દેશની પરિસ્થિતી વષે માહિતી આપી પણ પોતાની તબીયત બાબતમાં એ મૂંઝાઇ ગયા. મને એમની દયા આવી. "ચાલો, ડોક્ટર પાસે જઇએ". મેં સૂચન કર્યું. "છોડને યાર, ડોક્ટરની દવા તો ચાલુજ છે." "તો ડોક્ટરે શું કહ્યું?" "કહે છે - નથિંગ સિરિયસ. ગેસ ટ્રબલ છે. દવા લો અને સવાર - સાંજ ટાઇમ મળે ત્યારે ચાલવાનું રાખો. વજન ઉતારો. પણ આપણી પાસે એટલો ટાઇમ હોવો જોઇએને! આપણે માથે કંઇ ઓછો બોજો છે!" "હા, પણ તકલીફ રહેતી હોય તો -" "તકલીફ કોને નથી? આ દુનીયામાં જનમ્યા ત્યારથી તકલીફ છે. પૈસા કમાવ તોયે તકલીફ. ના કમાવ તોયે તકલીફ્." "પણ દવાની અસર ન થતી હોય તો તમારે ડોક્ટરને કહેવું જોઇએને!" "હમણાં કંઇ નહિ. નવો ફાયનાન્સ મિનિસ્ટર શું ઉકાળે છે તેના પર તબિયતનો આધાર. એકવાર બજેટ આવી જવા દે પછી વાત. તને કશી ખબર નથી. ડોક્ટરને પૂછો તો કહેશે કે, આરામ કરો. એને શું ખબર પડે! જો ઘરમાં સૂઇ જાવ તો બહાર મારો બિઝનેસ સૂઇ જાય." એમને આપવા જેવી એક પણ સલાહ મારી પાસે નહોતી. મને શું નડે છે તેની મને ખબર નથી પડતી ત્યાં હું એમને શું સલાહ આપું? એમને અત્યારે દેશનો નાણામંત્રી નડી રહ્યો છે અને એ બાબતમાં હું કે એમનો ડોકટર કંઇજ કરી શકીએ તેમ નથી.માણસજાતને શરીરની કંઇ પડી નથી. એટમબોંબ બનાવી નાંખ્યા, ચંદ્ર પર પહોંચ્યો, આખું અવકાશ ઘમરોળી નાખ્યું પણ સામાન્ય શરદીની દવા ખોળવાની બાકી છે. દમ, ડાયાબિટીસ, કેન્સર, એઇડસ ..... અખતરા ચાલુ છે. મોટા પેટવાળા મિત્ર સાચું જ કહે છે. મને ખરેખર કશી ખબર નથી.
0
comments
Subscribe to:
Post Comments (Atom)