સૌને ગમતી ગુંચ:લગ્ન- હાસ્ય વ્યંગ
Friday, February 6, 2009
મને મારો અતીત સાંભરી આવ્યો....... લગ્ન કરવાજોઇએ કે નહીં? આ પ્રશ્ન માત્ર ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવતાઅમુક યુવક-યુવતીઓના મનમાં જ ઉદભવે છે. સામાન્ય અને મુર્ખાઓ તો કોઇ પરણાવે ત્યારે પરણી જવાના, કાં તો પરણવાની ઉમર થઇ જતાં કોઇ ન પરણાવે તો રાડો પાડવાના, આ વિચારથી મને મજકુર યુવાન પ્રત્યે હમદર્દી થઇ. લગ્ન કરવાં કે નહીં? આ બાબતે હા અથવા ના નો સ્પષ્ટ ઉત્તર આપવો અસંભવ છે એની મને પ્રતીતિ થઇ.
આ દુનિયાના મોટા ભાગના મહાપુરુષોએ બે વિષયના ચિંતનમાં જિંદગીઓ ખર્ચી નાખી છે! એક તો ઇશ્વર અને બીજું લગ્ન! જેમણે ઇશ્વર અને તેમના સ્વરૂપની મિમાંસા કરી છે તેમણે લગ્ન વિશે પણ કંઇને કંઇ કહ્યું જ છે. ઇશ્વર તત્વ વિશે કંઇકનિષ્કર્ષ પર આવી શકાયું છે એટલે એનો જાહેરમાં કે ખાનગીમાં, ટીવી ચેનલો પરના કાર્યક્રમોમાં, ઓડિયો-વીડીયો કેસેટોમાં, શિબિર-સેમિનારોમાં, પુસ્તકોમાં અને છાપાઓમાં પ્રચાર-પ્રસાર કરાઇ રહ્યો છે. પરંતુ લગ્ન વિશે આજ સુધી કશી જ સર્વસંમતિ સધાઇ નથી કે આખરી તથ્ય હાથ લાગ્યું નથી એટલે તેનો પ્રચાર-પ્રસાર કરી શકાતો નથી.
જ્યારે આદિમાનવને ઇશ્વરની ખબર નહોતી ત્યારેય લગ્નની ખબર તો હતી જ એમ કહેવું જરાય અનુચિત્ત નથી. જો કે લગ્ન પછી જ સુખી રહેવા, બિમારીમાંથી ઉગરવા, શેર માટીની ખોટ પૂરવા કે સ્વજનના ત્રાસમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરની ખરી આવશ્યક્તા ઊભી થ ઇ હશે. આમ મુક્તિ ની ખોજની શરૂઆત મનુષ્યે લગ્નનો લ્હાવો લીધા પછી જ કરી હશે એમ માનવાને પૂરતું કારણ છે. ધર્મ અમે સંપ્રદાયની ભિન્નતા અનુસાર ઇશ્વરનું સ્વરૂપ અને સાધનમાર્ગની વિવિધતા જોવા મળે છે, તેમા અગણિત પરિવર્તનોને અવકાશ છે જ્યારે લગ્નનો કાનુન સૃષ્ટિમાં એક જ પ્રકારે વર્તી રહ્યો છે. પ્રાચીન કાળમાં પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થતા, વર્તમાનકાળમાંયપૂરજોશમાં ને વાજતે ગાજતે કાં તો છાના-છપને ને કોર્ટના ખૂણે ખાચરે લગ્ન થતા રહે છે. ભવિષ્યમાં યે આ ઉત્સાહ મંદ પડ્યા સિવાય લગ્નો થતાં જ રહેવાના છે, પછી ભલે કોઇ પાણીમાં ઊતરીને કરે, આગમાં ઊભા રહીને કરે કે આકાશમાં ઉડીને કરે..... પણ લગ્નો અટકવાના નથી જ. અરે, ઇ-મેઇલ દ્વારા કરશે તો પણ પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થવાના!! કદાચ કોઇના લગ્ન કૂતરા સાથે થશે તો પણ જ્યાં સુધી પુરૂષ સાથે નહીં થાય સુધી તે લગ્ન પુર્ણતાને નહીં જ પામે. હા, લગ્ન પછી માણસનું રૂપાંતર માનવેતર પ્રાણીમાં થતું હોય એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ખરેખર તો એ લગ્નનો પરિપાક નહીં પણ લગ્નની આડઅસર જ સમજવી જોઇએ.
બુદ્ધિશાળી અને વિકાસશીલ ગણાતું માનવ પ્રાણી યુગોથી જે પ્રવૃત્તિ કરતું આવ્યું હોય તે સાવ તુચ્છ કે નાખી દેવા જેવું ના જ હોય. દુનિયાના દરેક દેશ અને કાળમાં જે કાર્યને પ્રોત્સાહન મળતું હોય એ કાર્ય આવશ્યક જ હોવું જોઇએ એમ સહજપણે સમજી સકાય તેવું છે. અરે, માત્ર એટલો જ વિચાર કરીએ કે આપણા દાદાના દાદાના દાદાના દાદાએ જે કામ આપણને વારસામાં સોંપ્યું છે તે લગ્ન કરવાનું! સંપુર્ણ રીતે આનુવંશિક કર્તવ્યકર્મ હોય તો એક માત્ર આ પરણવાનું જ છે. બીજા વાર્સાગત લક્ષણો કે રોગો તો વચ્ચેથી આવે છે અને અમુક પેઢી સુધી સાથે ચાલે છે અને થાકી જાય ત્યારે આપોઆપ છોડીને ચાલ્યા જાય છે. જ્યારે લગ્ન એક એવો ગુણ છે જે આપણા સુધી અખંડિત રહ્યો છે અને આપણા સંતાનો માટે આ જોવા અતિશય આતુર છીએ. અલબત્ત, આને ભુલ કે રોગ ના કહેવાની હિંમત ન કરતાં બુદ્ધિમાન પુર્વજોએ 'સંસ્કાર'જેવૂં સુસંસ્કૃત નામ આપીને માનવ જાત પર ખરા અર્થમાં ઉપકાર કર્યો છે. સંસ્કૃતિના ઘડવૈયાઓએ નક્કી કરેલા ષોડ્શ સંસ્કારોમાંથી કેટલાંક તો લુપ્ત થવાને આરે છે. પરંતુ 'વિવાહ' અને 'અંત્યેષ્ટી' આ બે સંસ્કાર આજે પણ એના એ જ સ્વરૂપે વિદ્યમાન છે. આ પરથી કહી શકાય કે મનુષ્યને લગ્ન કરવા ગમે છે અને તે હોંશમાં રહીને હોંશે હોંશે આ ગમતી ગૂંચમાં પ્રવેશવા તલપાપડ રહે છે. ચાર, પાંચ કે છ વખત લગ્ન કરનાર વ્યક્તિઓ પહેલી વાર લગ્ન કરતા શખ્સોને પ્રોત્સાહન પૂરું પાડે છે! આમ તે લગ્ન સંસ્થાની રક્ષા કરનાર દીવાદાંડીરૂપ બની રહે છે.
લગ્નની આટલી મહતા સમજાઇ હોય ત્યારે કોઇને લગ્ન ન કરવાની સલાહ આપવી એ કઠીન કામ છે, પરંતુ માણસના આચાર અને વિચારમાં પુષ્કળ અંતર હોય છે. આનો પૂરાવો લગ્ન વિશે પ્રતિભાવ છે, લગ્ન કરી લીધા હોયતેવા મનુષ્યો બીજાને લગ્ન ન કરવાનો ઉપદેશ આપવા દોડી જાય છે! પેલો પણ તેના ઉપદેશ્માંથી કંઇ ગ્રહણ કરવાને બદલે તેના આચરણનું જ અનુકરણ કરવા મરણિયો બને છે અને સમય આવ્યે પાછો પેલી જ સલાહની દુકાન ખોલી નાખે છે.
જગતનાં તમામ દેશોમાં લગ્ન વિશેની વિવિધ માન્યતાઓ અને કહેવતો પ્રવર્તે છે. શેક્સપિયર જેવા મહાન નાટ્યકારે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે જે પૃથ્વી પર ઉજવાય છે એવું કહ્યું છે. પૃથ્વી પર ઘટવાની ઘટના જો સ્વર્ગમાં નક્કી થતી હોય તો તેનો સંબંધ પરમાત્મા સાથે આપોઆપ જોડાઇ જાય છે. આ સંબંધનું અનુમોદન ભારતીય સંસ્કૃતિએ લગ્નને 'પ્રભુતામાં પગલા' તરીકે ઓળખાવીને કર્યુ છે. જો કે વિરોધાભાસી વલણોમાં હંમેશા મારુ ભારત મહાન રહ્યું છે. ષટ્દર્શનોનું જન્મસ્થાન આ દેશ છે તો સાથે સાથે ચાર્વાકોની માતૃભૂમિ પણ છે!ઇશ્વરને સગુણ-સાકાર સિદ્ધ કરનારી ધરતી આ છે તો પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપની સ્થાપના પણ અહીં જ થ ઇ છે. લગ્નને પ્રભુતામાં પગલાં માંડવાની ઘડી કે બે આત્માનું પવિત્ર મિલન અહીં જ માનવામાં આવે છે તો અહીંથી જ પ્રચાર થાય છે કે નારી નરકનું દ્વાર છે! તો પુછવાનું મન થાય છે કે નારી વગર પ્રભુતામાં પગલાં જાનવર સાથે માંડી શકાય ખરાં?
ડૉ. અમૃતલાલ કાંજિયા