મમતા માફક
Saturday, February 14, 2009
નામ તારું જપું છું, સદા 'મીરા' માફક,
મારા ગીતોમાં વસી જા, ફરી રાધા માફક.
એવી નદીઓનો પછી કેમ થતે ત્યાં સંગમ?
ન તો એ ગંગાસમી છે, ન હું જમના માફક!
એ જ છે એ જ આ 'તાપી' કે જેના તીરે,
કદિ ફરતાં'તાં અમે રાધા- કનૈયા માફક!
એની યાદોની રમત પણ છે કૈં એના જેવી,
ઉષા થઇ આવે છે, જાય છે સંધ્યા માફક!
રાત અંધારી ને છે ચારે તરફ સન્નાટો,
યાદ ચમકે છે છતાં, તારી તો 'તારા' માફક!
મને બોલાવ હવે મારા વતનની ધરતી,
બહેનની લાગણી, માતાઓની મમતા માફક!
કાફલામાં હું કવિલોકની શામિલ છું છતાં -
ચાલ મારી છે જૂદી, ચાલું છું મારા માફક.
જિંદગીને કદી સ્થિર ન રાખો ' આસિમ',
એ તો નિત વ્હેતી રહે, એક સરિતા માફક.
પ્રેમને રૂપનું વર્ણન ન હો જેમાં 'આસિમ',
એવી ગઝલો તો મને લાગે છે વિધવા માફક.
આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર)
0
comments
Subscribe to:
Post Comments (Atom)