આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો
Sunday, October 5, 2008
આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો
- મોહમ્મદ માંકડ (સંદેશ)
આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતાં વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે ચોક્કસપણે કહી શકશો ? નહીં કહી શકો. આમ છતાં, દરેક માણસ જીવનનિર્વાહ માટે આવતીકાલની ચિંતા, આવતા મહિનાની, અને ઘણા તો પાંચ- દસ વરસની પણ ચિંતા કરે છે. ઉંમર વધવા સાથે બુઢાપાની ચિંતા પણ કરે છે. જે રસ્તા વિષે માણસ કશું જ જાણતો નથી એના વિષે માત્ર કલ્પનાઓ કરવાથી શું ફાયદો ?
પરંતુ જીવનની આ બે બાબતો એવી છે કે માણસ એની ચિંતા કર્યા જ કરે છે. એક ડાહ્યા માણસે એટલે જ કહ્યું છે કે જે માણસ આવી ચિંતા કરે છે એ નદીએ પહોંચ્યા પહેલા જ જોડાં કાઢી નાખવાની ચેષ્ટા કરે છે. પાણીમાં ઉતરવાની વાત તો દૂર રહી.
સરકારી નોકર માટે સરકાર પગારધોરણ નક્કી કરી આપે છે. પેન્શન, ગે્રચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ નક્કી કરી આપે છે. કામ કરવાના કલાક અને પેન્શન લેવાની ઉંમર અને રજાઓ નક્કી કરી આપે છે, છતાં આટલી બધી અનિશ્ચિતતાઓ બાકી રહે છે. જે બાબતમાં કોઈ સરકાર, કોઈ પેઢી કે શેઠ કશું નક્કી કરી શકતાં નથી. નોકર માટે પગારધોરણ નક્કી થઈ શકે પણ અમુક વર્ષે અમુક સમયે નાણાંની કે રૃપિયાની કિંમત કેટલી રહેશે એ કોણ નક્કી કરી શકે ? અને એટલે, ખરા પગારનું ધોરણ કઈ રીતે નક્કી થઈ શકે ? એના ઉકેલ માટે મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય પણ મોંઘવારી ભથ્થું હંમેશા મોંઘવારી વધ્યા પછી ઉમેરાય છે અને તે માત્ર મોંઘવારીમાં ઉમેરો કરવા માટે જ કારણભૂત બને છે.
એટલે કે, આવતીકાલને કોઈ ધોરણ કે ચોકઠામાં આપણે બાંધી શકતા નથી, અને જેને સરકાર કે સમાજ ન બાંધી શકે તેને બાંધવાની નિરર્થક ચેષ્ટા વ્યક્તિએ શા માટે કરવી જોઈએ ? અને જે લોકો એવું કરે છે એ મૂડી લીધા પહેલાં જ વ્યાજ ભરવા માંડે છે. આફત આવ્યા પહેલાં જ ડરવા લાગે છે, અને ડરવાથી આફત દૂર થઈ શકતી નથી.
ચિંતાથી માણસ ભાવિ માટે એવી એવી યોજનાઓ બનાવ્યા કરે છે કે અમલ કરવાના બદલે ચિંતા કરવામાં જ તેમનો સમય વેડફાઈ જાય છે. કાઠિયાવાડી બોલીમાં એક કહેવત છે કે ‘કારતક મહિને કણબી ડાહ્યો.’ આમાં માણસની યોજનાઓની નિરર્થકતા વ્યક્ત થાય છે. ચોમાસું વીતી જાય ત્યારે ખેડૂતો ચર્ચા કરે છે, ‘આ વરસે બાજરાને બદલે કપાસ વાવ્યો હોત તો રંગ રહી જાત !’ બીજા વર્ષે એમને લાગે છે કે, આ વરસે બહુ ઓછો વરસાદ પડયો. જો બાજરો વાવ્યો હોત તો પાક છૂટત !’ અને ત્રીજા વર્ષે, ‘અમે તો પહેલેથી જ કહેતા હતા, આ મોહનભાઈ નો માન્યા. મગફળી વાવી હોત તો મજા થઈ જાત !’ કારતક મહિનામાં ખેડૂતોને બધી ભૂલો ચોખ્ખીચટ સમજાય છે પણ આવતા વર્ષે શું વાવવું એ કોઈને સૂઝતું નથી, કારણ કે એની કોઈને ખબર પડતી નથી.
અને જે અજાણ્યું છે, અકળ છે એના વિષે ચોકસાઈપૂર્વક યોજના કે ચિંતા કરવાથી કશું વળતું નથી. જેવી ખોટી ચિંતા માણસ કમાવા માટે કરે છે એવી જ નકામી ચિંતા ઉંમર વધવા સાથે બુઢાપા બાબતમાં કરે છે. બુઢાપાની ચિંતા માણસ પોતાની આસપાસના વૃદ્ધ માણસોની જે હાલત જુએ છે તેને કારણે થાય છે. આ ચિંતા પણ કમાવાની ચિંતા જેવી જ છે કારણ કે, કમાવાની ચિંતા કરવાથી કમાણી વધતી નથી. એ જ રીતે બુઢાપાની ચિંતાથી બુઢાપાને રોકી શકાતો નથી.
શારીરિક રીતે વૃદ્ધ બનતા પહેલાં માણસ અંદરથી વૃદ્ધ બનવા લાગે છે. હવે ચાલીસ થઈ ગયાં, પચાસ થઈ ગયાં, સાઠ થઈ ગયાં, હવે ખલાસ ! ઊધઈ જેવી આ માન્યતા માણસને અંદરથી કોરવા માંડે છે અને આખુંયે શરીર ખખલા થઈ ગયેલા વૃક્ષની જેમ ખખડી જાય છે. યુવાન રહેવાનું બધાને ગમે છે, પણ યુવાન કેમ રહેવું તે બધાને આવડતું નથી. જે માણસને આવડે છે, તેને બુઢાપો અમુક સમયથી વધુ હેરાન કરી શકતો નથી. જીવવાનો આનંદ માણવા માટે શરીર સ્વસ્થ હોય તે જરૃરી છે, પણ એ માટે માણસ કાયમ વીસ જ વર્ષનો હોય એ જરૃરી નથી.
વિચાર કરી જુઓ, તમે પાંચ વર્ષના હતા ત્યારે ત્રણ પૈડાં વાળી સાઇકલ ચલાવવામાં જે આનંદ આવતો હતો તે અત્યારે આવી શકશે? ફુગ્ગાથી રમવામાં એટલી મજા આવી શકશે ? તે વખતે ત્રીસ પાંત્રીસ વરસના પિતા તમારી વાત સાંભળવાનું અધૂરી મૂકીને દુકાને કે ઓફિસે જવા નીકળી પડતા હશે ત્યારે તેમની તે ક્રિયા તમને કેટલી નકામી લાગતી હશે ? પ્રેમમાં હતાશ થઈ ગયેલ ભાઈ કે બહેન,અથવા તો દેવું થઈ જવાને કારણે કપાળે હાથ મૂકીને આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો બેઠેલા કાકા તમને કેવા લાગતા હતા ? એ બધું તમારા માટે કેટલું નિરસ અને નિરર્થક હતું ? એવું જ, કદાચ, તમારું અત્યારનું દોડાદોડી વાળું જીવન તમને વૃદ્ધાવસ્થામાં લાગશે. દરેક ઉંમરે માણસના વિચારો અને સમજમાં ફેરફાર થયા કરે છે અને દરેક ઉંમરને એનો પોતાનો આનંદ હોય છે.
જે માણસ આજે ત્રીસ વર્ષનો હશે તેમને જરૃર લાગશે કે, આજે એમના જીવનમાં જે આવડત છે તે વીસ વર્ષની ઉંમરે ન હોતી. ચાલીસ- પિસ્તાલીસ વર્ષના હશે તેઓ સંમત થશે કે, પંદર-વીસ વર્ષ પહેલાં તેમની પાસે આજે છે તેવી સગવડ કે આબરૃ ન હોતી. પચાસ વર્ષના હશે તે કહેશે કે, આજે તેમનામાં જે ડહાપણ છે તે વીસ-પચીસ વર્ષ પહેલાં ન હોતું. એનો અર્થ એ છે કે, જીવન અમૃતનો પ્રવાહ છે. કોઈ પણ ઉંમરે એ શુષ્ક કે કડવું નથી હોતું. દરેક પસાર થતું વર્ષ મનુષ્યને વધુ પુષ્ટ બનાવે છે. માત્ર પથ્થરો ઉપર જ લીલ બાઝી જાય છે અને તે નકામા થઈ જાય છે.
એનો અર્થ એ નથી કે ઈચ્છાશક્તિના જોરથી માણસ પોતાના વાળને સફેદ થતા રોકી શકે, અથવા તે ચામડી પર કરચલી પડતી રોકી શકે. પણ એનો અર્થ એટલો જરૃર છે કે, સફેદ વાળ અને કરચલીવાળા ચહેરા સાથે પણ તે આનંદીત રહી શકે, અને આનંદ એ જ જીવન છે.
અર્નેસ્ટ એલ્પોકોકીએ લખ્હ્યું છે કે, જો કોઈ માણસ પાસે જીવનનિર્વાહ જેટલી કમાણી, કામકાજ કરી શકાય એટલી તંદુરસ્તી અને કોઈ પણ વસ્તુમાં રસ લેવાની શક્તિ, એ ત્રણ વસ્તુઓ હોય તો એવો માણસ ગમે તે ઉંમરે અને ગમે તે સ્થળે સુખથી જીવી શકે છે.
જીવનનો પ્રવાહ નદીના પ્રવાહ જેવો છે, સતત વહ્યા કરે છે. ગમે તે સ્થળેથી તે ચાખી શકાય છે. કિનારે બેસીને માત્ર યોજનાઓ કે ચિંતા કરવાથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. એનો અર્થ એવો નથી કે પ્લાનિંગ ન કરવું, કોઈ કામ માટે યોજના ન કરવી, એનો અર્થ એટલો જ છે કે યોજનાઓ કરવા પાછળ જ સમય વેડફી ન નાખવો કારણ કે, એવી અફર, જડબેસલાક યોજના કોઈ કરી શકતું નથી. અને યોજના નિષ્ફળ જાય તો ચિંતા ન કરવી. ચિંતા કરવાથી કશું જ વળતું નથી.