અતિ
Saturday, November 22, 2008
'અતિ' ના ખુબ, ઘણું વધારે, અતિશય જેવા સમાનાર્થી શબ્દો મળે છે. અતિ પરથી અતિરેક અને અત્યંત જેવા શબ્દો ઉતરી આવ્યા છે. જેનો અંત નજીકમાં છે તે અત્યંત. કોઇપણ બાબતમાં 'અતિ'નું તત્વ ભળે એટલે 'નાશ' નજીકમાં ઊભો રહેલો હોય છે. જ્યારે વ્યક્તિ અતિ તરફ પ્રયાણ કરે છે ત્યારે અંત તેની તરફ પ્રયાણ કરતો હોય છે. એક જમીનદારે તેને ત્યાં કામ કરતા માણસો ને કહ્યું કે જે કાલ સવારથી સાંજ સુધીમાં જેટલી જમીન પર દોડશે તેટલી તેને આપવામાં આવશે. બધાં માણસો સંતોષી હતા તેથી તેમણે જમીનદાર ને કહ્યું કે તમે જે આપો તે ખરું. અમારે વધારે દોડીને લેવું નથી. પણ એક માણસ લોભી હતો.તેણે આ શરત સ્વીકારી લઇ સવાર પડતા જ દોડવા માંડ્યું. તે વચ્ચે ખાવા કે પીવા પણ રોકાયો નહી અને ભૂખ્યો ને તરસ્યો દોડતો જ હતો જેમ દિવસ ઉંચે ચડતો ગયો તેમ તે વધુ ને વધુ જમીન હસ્તગત કરવા જોરથી દોડવા માંડ્યો અને સાંજ પડતા શરીરમાં અશક્તિ અને થાકથી ચક્કર આવીને બેભાન થઇ ગયો અને મૃત્યુ પામ્યો. તેને જમીન તો ન મળી પણ જીંદગી ગુમાવી. બીજાની જેમ જરૂરીયાત પૂરતું મેળવી, પોતાની શક્તિ અનુસાર મેળવવાનો, જીવન જીવવાનો, પ્રયાસ કર્યો હોત તો સારુ જીવન જીવી શક્યો હોત. મરઘી અને ડોશી વાળી વાર્તામાં પણ અતિલોભને કારણે જ મરઘી અને ઇંડા બન્ને ગુમાવે છે.
અતિની ગતિ નહિ. અને આમેય 'જેઓ અતિ વેગથી દોડે છે તેઓ જલદી પડી જાય છે.' જીવન માં પણ જેટલી ઝડપથી ઉંચે ચડે તેથી વધુ ઝડપે નીચે પડે છે. ઇતિહાસ કે પૌરાણીક કથા માં પણ આ 'અતિ' ને કારણે રામાયણ,મહાભારત કે ગંગાનુ અવતરણ હોય આમ બધેનઠારા બનાવો જ બન્યા છે.. લોક સાહિત્ય માં દુહા માં પણ આજ કહ્યું છેઃ
"અતિ ભલો નહિ બોલવો, અતિ ભલી નહીં ચૂપ,
અતિ ભલો નહીં બરસવો, અતિ ભલી નહીં ધૂપ"
"અતિ ઘણું ન જાણીએ, તાણે તુટી જાય,
તૂટ્યા પછી જો સાંધીએ, ગાંઠ પડે વચમાંય"
આમ અતિ ને લીધે મતિ ના બગડે તે જોવુ જરૂરી છે.
અશોક કૈલા
0
comments
Subscribe to:
Post Comments (Atom)