દીકરી સાથે.......
Monday, June 23, 2008
સમજુ માતપિતાએ દીકરીને પાસે બેસાડીને કેટલીક નિખાલસ વાતો કરવી પડશે.વર્તમાન સમયમાં દીકરીને સમાજની વિકરાળ વાસ્તવિકતા અંગે કશું ન કહેવામાં રહેલું રોકડું જોખમ સમજી રાખવા જેવું છે.નિખાલસ વાતોને કારણે અડધી સમસ્યાઓ તો આપોઆપ ટળી જાય એમ બને.બધી સમસ્યાઓ ન ટળે તોય સંતાનો સાથે નિખાલસ વાતો ભારે મુલ્યવાન સાબિત થતી હોય છે.
દીકરીને વિગતે એક ખતરનાક શબ્દ સમજાવવો રહ્યો.એ શબ્દ છેઃ 'બ્લેકમેઇલ'.ગુંડાઓનું આ પ્રિય શસ્ત્ર છે.માતપિતાએ દીકરીને એવી હૈયાધારણ આપવી પડશે કે કોઇ છોકરા સાથે તારી ગમે તેવી તસ્વીરો અમને જોવા મળે તોય અમે તને તરછોડીશું નહીં.તું બ્લેકમેઇલ કરનારા ગુંડાથી ડરતી રહીને ઊંડા કળણમાં ફસાતી જાય,તેના કરતાં તો અમને બધી વાત જણાવી દે તો એ ગુંડાની અડધી તાકાત ખતમ થઇ જશે.'અમે તને આવી નહોતી ધારી,' એમ બોલીને માથું કૂટનારાં માતપિતાને એક પ્રશ્ન પૂછવા જેવો છેઃ 'તમે દીકરી સાથે જીવનની વાતો માટે કેટલા કલાક ગાળ્યા હતા?'
દીકરી સાસરે જાય તે પહેલાં માતપિતાએ એને કહેવું પડશે કેઃ "ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં પણ આપણું ઘર તારા માટે સદાય ખુલ્લું રહેશે.તું સાસરે જાય પછી એડજસ્ટ થવા માટે બધા પ્રયત્નો કરજે.પરંતુ તને જ્યારે જણાય કે સામે પક્ષે કોઇ જ સમજણ નથી અને ત્યાં રહેવાનું અશકય છે ત્યારે આપણા ઘરે પાછા આવતી વખતે કદી પણ એવું ન વિચારીશ કે તને અહીં કેવો આવકાર મળશે.અમે સમાધાન માટે મથીશું,પરંતુ તને કસાઇવાડે ધકેલીએ એટલાં નિર્દય અમે નથી જ.જરુર પડે તો છુટાછેડા ભલે થાય,પરંતુ તારું જીવન ચીમળાઇ જાય ત્યાં સુધી બધું વેઠ્યે રાખવાની જરુર નથી.તારો વાંક હશે તો અમે ખોટો બચાવ નહીં કરીએ,પરંતુ અમે તને કદીય એક બીભત્સ વાક્ય નહીં સંભળાવીએ કેઃ દીકરી તો સાસરે જ સારી."
જરા વિચારવા જેવું છે.'દીકરી તો સાસરે જ સારી' જેવા વિધાને કંઇ કેટલીય દીકરીઓને અગ્નિની જ્વાળામાં ધકેલી દીધી છે.દીકરી વહાલનાં વલખાં મારતી હોય ત્યારે જ માતપિતા એને આ વાક્ય સંભળાવે તે દીકરીનું શું થતું હશે? કંઇ કેટલીક દીકરીઓ સાસરિયાંના ત્રાસને કારણે મરતી રહે છે, કારણકે પિયરનાં બારણાં માતપિતાએ બંધ કરી દીધાં હોય છે.
માતપિતા સાથે દીકરીનો મનમેળ (rapport) એવો હોવો જોઇએ કે દીકરી પોતાના દિલની બધી વાતો એમને કહી શકે.એક દીકરી પોતાના મનગમતા છોકરા સાથે ડેટિંગ પર જઇ આવી.માતપિતાને જણાવીને એ સાંજના બે-ત્રણ કલાક બહાર રહેલી.પછી તો પરિચય વધ્યો અને બંને રોજ મળતાં થયાં.ડેટિંગ બરાબર જામ્યું અને લગ્નસંબંધ બંધાય એવી શક્યતા પૂરેપૂરી જણાવા લાગી ત્યારે મૂડમાં આવી ગયેલી દીકરીએ પોતાના પપ્પાને કહ્યું, 'પપ્પા! જીવનમાં જેણે આવી સુંદર અને આનંદની પળો નથી માણી તે ગમે તેટલો મોટો માણસ હોય,તો પણ તેના જીવનમાં કશુંક ખુંટે છે તેમ માનવું.' કેટલી દીકરીઓ પપ્પાને આવી સ્પષ્ટ વાત કરી શકશે? આધુનિક દીકરી, આધુનિક પપ્પા ઝંખે છે.એ દીકરીને ટનબંધ ઉપદેશોના પ્રહારોથી પજવવી એ પણ હિંસા છે.સમજણનો સેતુ હોય ત્યારે સમસ્યાઓ પજવે તોય એના નહોરની તીક્ષ્ણતા ઘટી જાય છે.
દીકરીનાં માતપિતાએ દીકરી પ્રત્યે જરા પણ ઓછો પ્રેમ રાખવાનો અધિકાર નથી.વહાલસોયી દીકરીનાં મા-બાપ હોવું એ તો વિશેષાધિકાર (privilege) છે.દીકરી વગરનો પરિવાર અધુરો પરિવાર છે.દીકરી પુત્ર-સમોવડી બની શકે,પરંતુ દીકરો પુત્રી-સમોવડો ન બની શકે.સોનોગ્રાફી પછી દીકરીની ભ્રૂણહત્યા કરાવનારાઓને આ વાત ક્યારે સમજાશે?
ગુણવંત શાહ
1 comments
nilam doshi
said...
nice...
આ જ વિષય અંગે જણાવવાનું કે એક માએ દીકરી પર લખેલ પત્રોની આખી શ્રેણી " ભાવ વિશ્વ " મેં મારા બ્લોગ પરમ સમીપે પર મૂકી છે. જેને રસ પડે તેઓ વાંચી શકે છે.
આ મહિનામાં પ્રકાશિત થનાર મારા પુસ્તક " દીકરી મારી દોસ્ત " નો એ થોડો ભાગ છે. આશા છે આપને એ જરૂર ગમશે.
http://paramujas.wordpress.com
thanks
Subscribe to:
Post Comments (Atom)