ચોર અને મહાપુરુષ
Sunday, September 7, 2008
મહાપુરુષોની શ્રેણીમાં ચોરને પણ સ્થાન આપવું પડે. ભગવદગીતામાં કહ્યું છે તેમ જે સર્વ પ્રાણીઓની રાગી છે તેમાં સંયમી જાગે છે..આ સંયમી તે જ ચોર કારણ કે ચોર અવાજ, ઉતાવળ, ઉધરસ અને છીંક પર સંયમ રાખી ને બીજાના ઘરમાં હાથફેરો કરી શકે છે! ચોર પર ઇશ્વરની અસીમ કૃપા હોય છે. મોટાભાગની દુનિયાને પરિશ્રમ કરવાને જેવડો દિવસ બનાવ્યો છે એવડી જ રાત ઇશ્વરે ફક્ત ચોર માટે જ બનાવી દીધી છે! ચોરમાં મહાપુરુષનો બીજો ગુણ હોય છે સ્વાશ્રય નો. ગમે તેટલો માલેતુજાર ચોર હોય તો પણ પોતાનું કામ કરવા દાડીયા નાખતો નથી.
અખબારોમાં કેટલીક વખત વાંચવા મળે છે કે ઘરના સભ્યોએ કે શેરીવાળાઓએ ભેગા મળી ચોર ને પકડી લીધો ને લમધાર્યો. ચોરી કરવા પધારેલો ચોર જો આ રીતે યજમાનના ઘેર કે શેરીમાં મરી જાય ત્યારે યજમાનને 'ભક્ત હત્યા'નું પાપ લાગે છે અને એ પાપની સજા ભગવાન કાનૂનના નિમિતથી પોલીસને પ્રેરણા આપીને કરાવી લે છે. જ્યારે ચોર રૂપે અતિથિ ઘરધણીને પતાવીને છૂમંતર થઇ જાય તો પણ તેને ક્ષમ્ય ગણીને આશ્વાસનની ઔપચારિક્તા નીભાવવામાં આવે એવું 'પરમ સત્તા' ઇચ્છે છે!
ઘણા ભાગ્યશાળી ચોરને પોતાની કાર્યનિષ્ઠાને કારણે મહાપુરુષોનો ભેટો થયો છે. આવા પ્રસંગોએ મહાપુરુષોએ ચોર સાથે કેવો વ્યવહાર કર્યો છે એ ખુબ રસપ્રદ બની રહે તેવું છે. આવા પ્રસંગો માણીએ;
ગાંધીજી અને ચોર
એક રાતે સાબરમતી આશ્રમમાં ચોર ઘુસ્યો. તે કોઇ કિંમતી સામાનની શોધખોળ કરી રહ્યો હતો. એવામાં એક આશ્રમવાસીની નિંદર ઉડી ગઇ. તેણે બુમો પાડી આથી બીજા લોકો પણ જાગી ઉઠ્યાં. બધાએ મળીને ચોરને પકડી લઇને એક ઓરડીમાં પૂરી દિધો.
ગાંધીજી વહેલી સવારે ઊઠીને ફરવા જાય. આ ક્રમ મુજબ ફરીને તેઓ પાછા આવ્યા ને પોતાના ખંડમાં બેઠાં. આશ્રમવાસીઓએ તેમની પાસે આવીને કહ્યું કે રાતે એક ચોર પકડાઇ ગયો છે. તેને અમે ઓરડીમાં પૂરી દીધો છે. બાપુએ કહ્યું ;' ચોરને મારી સમક્ષ લાવો'
ચોર ને ઓરડીમાંથી કાઢીને એમની સામે રજુ કરવામાં આવ્યો. બાપુએ તેને પહેલો પ્રશ્ન કર્યો; તેં નાસ્તો કર્યો?
એક આશ્રમવાસીએ કહ્યું;'બાપુ! આ ચોરને નાસ્તો કોણ કરાવે?'
ગાંધીજીએ આશ્રમનાં વ્યવસ્થાપકને પૂછ્યું; 'શું આ મનુષ્ય નથી? જ્યારે આપ બધાએ દાળિયા, ગોળ, ચણા વગેરે ખાધા છે તો આને કેમ ન આપ્યા? શું ચોરને ભુખ ન લાગે?'
ગાંધીજીના આ વાક્યો સાંભળીને તે ચોરનીઆંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા, તેણે તે જ વખતે પસ્તાવો કરતા કહ્યું;'બાપુ! મને માફ કરો. હવે હું કદીએ ખરાબ કામ નહી કરું!' અને આ દિવસ થી તે પ્રમાણિક મનુષ્ય બની ગયો.
ઝેન ગુરુ અને ચોર
રયોકન નામે એક ઝેન ગુરુ થઇ ગયા, પર્વતની તળેટીમાં એક ઝૂંપડીમાં રહીને એ સાધના કરતા અને સાદાઇથી રહેતા. એક રાત્રે એમને ત્યાં ચોર આવ્યો પરંતુ ઝૂંપડીમાં ચોરીને લઇ જવા જેવું કશું એને જડ્યું નહી. રયોકને એને જતા રોક્યો અને કહ્યું; તું દૂરથી મને મળવા આવ્યો તેથી તને ખાલી હાથે જવા દઉં તે બરાબર ન ગણાય. તું મારાં કપડાં ભેટ તરીકે લઇ જા.'
ચોરને આશ્ચર્ય થયું પણ એ તો કપડાં લઇ ને રવાના થયો.
રયોકન તો નગ્ન અવસ્થામાં બેઠા બેઠામોજથી ચંદ્રને નીરખતા રહ્યા. પછી એ ધીરેથી બબડ્યાઃ 'બિચારો આદમી! મારું ચાલે તો હું તેને આ સુંદર ચંદ્ર આપી દેત!'
પીપાજી અને ચોર
પીપાજી પહોંચેલા સંત હતા. એક વખત બે ચોર રાતના સમયે તેની ઝૂંપડીમાં આવ્યા અને ઝૂંપડીના આંગણામાં બાંધેલી ગાયને લઇને તેઓ ચાલવા લાગ્યા. પીપાજી તો ઝૂંપડીમાં ભગવાનના ભજનમાં મસ્ત હતા. ગાય ભાંભરવાલાગી, આ અવાજ સાંભળીને પીપાજી બહાર આવ્યા અને જોયું તો બે જણાં ગાયને લઇ જઇ રહ્યાછે. પીપાજી બોલ્યા;'ભાઇઓ! ગાયનું વાછરડું પણ લેતા જાવ! વાછરડા વિના ગાય દૂધ નહી આપે અને વળી બિચારું વાછરડું પણ ગાયના વિયોગ માં મરી જશે.'
સંતના હ્ર્દયની કરૂણાભાવનાથી ચોરોનું હ્ર્દયપરિવર્તન થઇ ગયું. તેઓ પીપાજી ના પગમાં પડી જઇ પ્રતિજ્ઞા કરી કે આજથી ચોરી નહી કરીએ. સંતના પ્રભાવથી ચોરો ભક્ત બની ગયા.
ઝેન મહાત્મા અને ચોર
એક રાત્રે ઝેન મહાત્મા સિચિરિ કોજુન મંત્રપાઠ કરી રહ્યા હતા, એટલામાં એક ચોર ખુલ્લી તલવાર સાથે ઘસી આવ્યો અને પૈસા ન આપે તો જીવ લેવાની ધમકી આપી.
'મને ખલેલ ન પહોંચાડ, પેલા ખાનામાં પૈસા છે.'આટલું કહી ને સિચિરિ પાછા મંત્રપાઠ કરવા લાગ્યા. થોડિકવાર પછી તેમણે ચોરને કહ્યું;'બધા પૈસા લઇ ન જતો, થોડાંક રહેવા દેજે, મારે કાલે કોઇ ને ચૂકવવાના છે.' ચોર તો ઘણાખરા પૈસા લઇને જવા માંડ્યો ત્યારે સિચિરિએ તેને કહ્યું;'જે માણસ પાસેથી ભેટ સ્વિકારી તેનો આભાર તો માનવો જોઇએને!' ચોર આભાર માની ને જતો રહ્યો.
થોડાંક દિવસ બાદ ચોર પકડાઇ ગયો અને તેણે બીજા અનેક ગુનાઓની કબુલાત સાથે સિચિરિને ત્યાં ચોરી કરેલી એ વાત પણ કબુલ કરી. જ્યારે સિચિરિને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું;'મને જ્યાં સુધી લાગે વળગે છેત્યાં સુધી આ માણસ ચોર નથી.મેં તો એને પૈસા આપ્યા હતા અને એણે મારો આભાર પણ માનેલો.'
જેલ માંથી છૂટ્યા બાદ પેલો ચોર મહાત્માસિચિરિનો ચેલો બની ગયો.
****** ****** ****** ******
આમ અવળી જગ્યાએ ચોરી કરવાથી કેટલાય ચોર લોકોએ પોતાનો જુનોધંધો છોડવો પડ્યો છે. આથી એક ચોરના અનુભવી દાદાએ પોતાનાપોતાના નામચીન પુત્રને આખરી શિખામણ આપતા કહેલું કે બેટા! સંતો ભક્તોના આશ્રમો કે ઝૂંપડામાં, રોગીના ખાટલાવાળા ઘરમાં અને તાજા પરણેલા હોય એવા ઘરમાં ભૂલેચૂકેય પગ ન મુકવો, નહીતર તારું ઘર ઉજ્જડ થઇ જશે.
ડૉ.અમૃતલાલ કાંજિયા
હરિપર(ટંકારા)
0
comments
Subscribe to:
Post Comments (Atom)