સ્નેહાંજલી
Thursday, February 14, 2008
સ્થળ : સીમલા
સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો અવાજ, પેશન્ટોને જગાડતો, કપડાં – બદલાવતા કંઈનું કંઈ બબડાતા શબ્દો, બિમાર દર્દીઓના ઊંહકારા, સિસ્ટરની સુચનાઓ, બાઈઓની સફાઈ કરવાની ઝડપ, બધું એક મશીનની જેમ ટપોટપ આટોપાતું હતું.
રોહિત શર્મા, બારી પાસેના એક પલંગ ઊપર બેઠો હતો. તે પણ એક પેશન્ટ હતો આ હોસ્પીટલમાં, એક 12 વર્ષનો પેશન્ટ જેની આંખોમાં ખાલીપણું હતું છતાં બારી બહારના સોનેરી રંગના ફેલાતા જતા ઊજાસ ને જોઈને તેની આંખોમાં આહલાદકતા ભરાઈ ગઈ. તેને થયું કે આટલી સરસ સીમલાની સવાર સામે જોવાની કોઈને ફૂરસદ નથી. લાગતું હતું કે જાણે ઝાડ પણ સવારના ઊજાસને કારણે અને પંખીઓના ટહુકાથી હમણાં જ ઊઠ્યા છે. તે હતો તો બાળક પણ સંજોગોએ તેને ઠરેલપણું અને સમજદારી જલદીથી આપી દીધી હતી અને સાથે સાથે ભયાનક રોગ પણ. હા ! તેના હાર્ટનો એક વાલ્વ ખરાબ હતો તથા તેના ફેફસામાં પણ પાણી ભરાઈ જતું હતું. તે વિચારતો આ બિમારી મને જ શું કરવા મલી ? હવે મારી મા શું કરશે ? જો કે તેને ડર લાગતો પણ બિમારીનો નહીં, તેની ગંભીરતા તે સમજતો નહોતો. તેને ડર લાગતો હતો તેની મા નો. તેને મા ની બે આંખો દેખાતી, જે તેની સામે જોતી ત્યારે તે પોતે જાણે તેમાં આખીને આખી ઠલવાઈ જતી. તેના શબ્દો તેને યાદ આવતા, ‘જો રોહિત, દીલ લગાવીને ભણજે. તું તારી મા નો સહારો છે, જો જે મને ધોકો ના દેતો, નહીં તો તારી આ મા કોના સહારે ઊભી રહેશે ? પછી ગળે લગાડીને ચુમીઓથી તેનું કપાળ ગાલ ભરી દેતી.’ તે કહેતી તારા ઊજ્જવળ ભવિષ્ય માટે મારે જે કંઈ કરવું પડશે તે કરીશ. પણ તારા પપ્પાનું સ્વપ્નું તને એન્જિનિયર બનાવવાનું પુરું કરીને જ રહીશ. આપણી દૂરી ને દૂરી ના સમજતો, એ જ આપણો નજીક આવવાનો રસ્તો છે. તે સાંભળી રહેતો, મા ના માથાને પસવારતો અને મોટા માણસની જેમ દિલાસો આપતો.
તે સાચે જ જલ્દી મોટો થઈ ગયો હતો. સિમલાની કોન્વેન્ટ સ્કૂલમાં તે પાંચ વર્ષની ઊંમરથી ભણતો હતો. તેની મા મુંબઈ રહેતી હતી અને પિતા પરલોકમાં. એક રોડ એકસીડન્ટમાં તેમનું મૃત્યુ થયું હતું.
‘કેમ છે યંગ મેન ?’ તે ચમક્યો. બારી બહાર જોતા જોતા તેના વિચારો આંખોમાંથી આંસુ બની બહાર નીકળી પડ્યા હતાં, જેનું તેને ભાન નહતું. તેણે સામે જોયું, ‘ડૉ. થોમસ તેનો ખભો થપથપાવીને હસી રહ્યા હતા.
‘કેમ ખાટલો ખાલી કરવાનો વિચાર નથી કે શું ? ચલો નીચે ઊતરો અને સિસ્ટરને ચાદર ચેન્જ કરવા દો.’ તે શર્ટની બાંયથી આંખો લૂછતાં ફીક્કું હસીને નીચે ઊતર્યો. ડૉ. થોમસ ઘણા જ મળતાવળા અને માયાળુ હતા. સ્કૂલના ફાધર તેને એડમીટ કરવા લાવ્યા હતા તે પળ તેને યાદ આવી.
‘કેમ છો ફાધર ગોન્સાલવીસ ? આવો બેસો.’
ડૉ. એ હસતા હસતા આવકાર આપી હાથ મલાવ્યા. ફાધર પણ ‘ગોડ બ્લેસ યુ’ કહીને ખુરશી મા બેઠા. તેઓની જૈફવયના કારણે તેમનો અવાજ થોડો ધ્રૂજતો હતો પણ વાક્યો ઘણા જ મક્કમ નીકળતા હતાં. ‘થોમસ, આ રોહીત છે, તે મારા ચાઈલ્ડ જેવો છે. દુનિયામાં તેની એક મા છે અને બીજો ભગવાન. થોડા દિવસથી તેની આંખે અંધારા આવે છે અને છાતીમાં દુ:ખાવા સાથે ગભરામણ થાય છે. પસીનો પસીનો થઈને ચક્કર ખાઈને પડી જાય છે. આને તને સોંપું છું. તેનું નિદાન બરાબર કરજે.’ ત્યારબાદ ફાધર ચાલી ગયા હતા. તે દિવસથી – લગભગ બાર દિવસથી તે અહીં જ હતો. વિવિધ બલ્ડટેસ્ટો, અલગ અલગ રીપોર્ટસ, એક્સ-રે, સ્કેનિંગ, ઈન્જેકશનો વિ. તેનું રુટિન બની ગયું હતું. તેને ખબર ન હતી કે તેને શું થયું છે. ફાધર બે ચાર વાર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તારી મા ને સમાચાર આપ્યા છે અને કદાચ એક બે દિવસમાં આવશે. તેણે ફાધરને પૂછ્યું હતું, ‘મને શું થયું છે ?’
ફાધરે કહ્યું કે, ‘તારા દિલમાં ભગવાન બેઠા છે. તે તને સારું જ કરશે. હિંમત રાખજે. ચિંતા નહીં કર.’
વધારે તે પૂછી ના શક્યો. તેને થયું કે મને કહેત તો પણ મને શું સમજણ પડત. હા ! મારા દિલમાં ભગવાન છે તેમને જ પ્રાર્થના કરીશ કે મને સારું કરી દે.
વધારે તે પૂછી ના શક્યો. તેને થયું કે મને કહેત તો પણ મને શું સમજણ પડત. હા ! મારા દિલમાં ભગવાન છે તેમને જ પ્રાર્થના કરીશ કે મને સારું કરી દે.
આજે એ વાતને ચાર દિવસ થઈ ગયા. કોઈ ન આવ્યું. તે વિચારતો હતો કે મા કેમ ના આવી? તેને સમાચાર નહીં મળ્યા હોય ? તે ઘરે નહિ હોય ? ફાધર જુઠું તો ના બોલે.
‘ક્યા વિચારોમાં ખોવાયો છે રોહિત ?’ તેણે ચમકીને ડૉ. થોમસ સામે જોયું અને તેણે તેમનો હાથ પકડી લીધો. પછી તેમના પગે પડ્યો. અને રડતા રડતા કહેવા લાગ્યો, ‘ડૉ. મારી મા કેમ ના આવી? મને શું બિમારી છે ? મને હવે ડર લાગે છે. મને કહો ને પ્લીઝ.’
ડૉ થોમસે તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘Don’t worry. તને થોડી હાર્ટમાં તકલીફ છે પણ આપણી પાસે વર્લ્ડ ફેમસ હાર્ટ સ્પેશીયાલીસ્ટ છે. હું તારી માને આજે રાતે ફોન કરીને વાત કરીશ. તું અત્યારે આરામ કર. અને Think positive, young man ! you will be allright.’ અને નર્સને અમુક સુચનાઓ આપીને ચાલ્યા ગયા.
તે ચોખ્ખી ચણાક દૂધ જેવી સફેદ પથારીમાં આડો પડ્યો. નર્સે તેને દૂધ અને નાસ્તો આપ્યો, તે કરીને એક સમજદાર યંગમેનની જેમ ગોળીઓ ગળી લીધી. ઈંજેકશન લઈ લીધું અને હાથમાં હેરી પોર્ટરની બુક લઈને વાંચવાની શરૂઆત કરી. તેને વાંચવું ઘણું જ ગમતું હતું. તેને થતું કે હેરી પોર્ટરની જેમ મારા હાથમાં પણ જાદુની છડી આવી જાય તો ?…. અને ‘તો’ પર અટકીને તે સ્વપ્નવિહાર કરવા ચાલ્યો જતો. આજે પણ તેમજ થયું. તે ક્યારે નિંદ્રાધીન થયો તેની તેને ખબર જ ના પડી.
સાંજના સાત વાગે ડૉ. થોમસ તેની પાસે આવ્યા. તેણે આશાભરી નજરે તેમની સામે જોયું. તેઓની નજરમાં થોડી વેદના હતી. તેમણે કહ્યું કે, ‘તારી મા સાથે મારી વાત થઈ ગઈ છે. તેને તારી કંડિશન અને ઓપરેશન વિશે કહ્યું છે. તે દસેક દિવસમાં અહીં આવશે. બીજું, હું કાલે કોન્ફરન્સ માટે પેરિસ જાઉં છું. તારું ઓપરેશન મુંબઈના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉ. વિનોદ કાંબળે કરશે. મેં તેમને તારો કેસ હિસ્ટ્રી ઈ-મેઈલ કરી દીધો છે. તારા ઘરનું એડ્રેસ પણ. તેઓ તારી મા ના કોન્ટેક્ટમાં રહેશે. ડોન્ટ વોરી, ઓલ વીલ બી ઓલરાઈટ, યંગ મેન’ અને માયાળુ સ્મિત કરતા માથે હાથ ફેરવીને તે ચાલ્યા ગયા.
સાંજના સાત વાગે ડૉ. થોમસ તેની પાસે આવ્યા. તેણે આશાભરી નજરે તેમની સામે જોયું. તેઓની નજરમાં થોડી વેદના હતી. તેમણે કહ્યું કે, ‘તારી મા સાથે મારી વાત થઈ ગઈ છે. તેને તારી કંડિશન અને ઓપરેશન વિશે કહ્યું છે. તે દસેક દિવસમાં અહીં આવશે. બીજું, હું કાલે કોન્ફરન્સ માટે પેરિસ જાઉં છું. તારું ઓપરેશન મુંબઈના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉ. વિનોદ કાંબળે કરશે. મેં તેમને તારો કેસ હિસ્ટ્રી ઈ-મેઈલ કરી દીધો છે. તારા ઘરનું એડ્રેસ પણ. તેઓ તારી મા ના કોન્ટેક્ટમાં રહેશે. ડોન્ટ વોરી, ઓલ વીલ બી ઓલરાઈટ, યંગ મેન’ અને માયાળુ સ્મિત કરતા માથે હાથ ફેરવીને તે ચાલ્યા ગયા.
સ્થળ : મુંબઈ
ડૉ. વિનોદે, ડૉ થોમસે આપેલો ફોનનંબર ફરી ડાયલ કર્યો. રીંગ વાગતી જ રહી. કોઈ રિસ્પોન્સ નહીં. લગલગાટ છ દિવસ સુધી તેમણે રોહિતની મા નો સંપર્ક કરવાની કોશીશ કરી, જે અસફળ રહી. તેઓ મુંઝાયા. કાલે તો તેમણે સિમલા જવાનું હતું. પરમદિવસે ઓપરેશન હતું. રોહિતનો કેસ હિસ્ટ્રી સ્ટડી કર્યા બાદ જરૂરી વિધિઓ અહીં જ પતાવવાની હતી. ઓપરેશન પેપર પર વાલીના હસ્તાક્ષર, ઓપરેશનની એડવાન્સ ફી તથા ઓપરેશન દરમિયાન કંઈ પણ અઘટિત બને તો તેની જવાબદરી ડો. કે સ્ટાફ કે હોસ્પીટલની નહીં રહે તેવા અનેક પેપર પર સાઈન કરાવવાની હતી. તેઓ અકળાયા, ડૉ. થોમસ પણ મને ક્યાં ફસાવીને ગયા ? દુનિયામાં પણ કેવા મા-બાપ હોય છે ! જેમને પોતાના સંતાનની પણ ચિંતા નથી. તેમણે રોહિત સાથે ફોનથી વાતચીત કરી હતી. છોકરો તેમને હોશિયાર અને સમજદાર લાગતો હતો. તેની મા ને તે ભગવાનની જેમ પૂજતો હતો અને તેની મા છે તે, તેની જરાય દરકાર પણ કરતી નથી, બીજુ કોઈ હોત તો તેના માથે આભ જ તૂટી પડ્યું હોત પણ આ, તો ડૉ. નો કોન્ટેક કરવામાંથી પણ ગયેલા છે…. ડૉ. વિનોદને ચીડ ચડી. છતાં પણ તેમણે ફાધરની રીકવેસ્ટ પર પોતાના ટાઈટ શેડ્યુલમાંથી સવારનો એક કલાક કાઢીને તેના ઘેર પહોંચીને વાતનો નિવેડો લાવવાનો નિશ્ચય કર્યો.
સવારના નવના ટકોરે તેમની કાર એક જર્જરિત મકાન આગળ ઊભી રહી. એડ્રેસ મુજબ અહીં જ રોહિતનું ઘર હતું. ભોયતળિયાના રૂમ નં 4 ની ડૉરબેલ તેમણે દબાવી. થોડીવારમાં જ દરવાજો ખૂલ્યો અને ખોલવા વાળી વ્યક્તિને જોતા જ ડૉ. વિનોદની આંખો પહોળી થઈ ગઈ. ‘તું ? તું અહીં રહે છે જુલી ?’ જુલી ચમકી ગઈ, ધ્યાનથી ચહેરો જોતા તેની યાદ તાજી થઈ, કે આમને મેં જોયેલા છે. તેણે આવકાર આપ્યો, અંદર આવવા કહ્યું. ડૉ. વિનોદે પરિચય યાદ કરાવતા કહ્યું કે હું ડૉ. વિનોદ છું. મેં તમને દીપા બારમાં ડાન્સ કરતા અને ડ્રીંક સર્વ કરતા જોયા હતાં…….
હા ! રોહિતની મા એક બાર ડાન્સર હતી. આ ડૉ. વિનોદ તેની યુવાઅવસ્થામાં મિત્રો સાથે ત્યાં જતા ત્યારે તે પૈસા ફેંકતા તેની અદાઓ પર……. જુલીને બધું જ યાદ આવી ગયું. તેણે સજળ આંખોએ તેમની સામે જોયું અને કહ્યું કે, ‘ડૉ. અત્યારના તમારી સામે ઊભેલી સ્ત્રી જુલી નથી, એક મા છે. મને ફાધરે વાત કરી હતી. દોઢ લાખનો ખર્ચ છે ઓપરેશનનો અને તેના માટે જ રાત દિવસ એક કરીને પૈસા જમા કરી રહી છું. પ્લીઝ, મને માફ કરો, મારા લીધે મારા બાળકને ઘણી જ પીડા સહેવી પડી રહી છે. પણ હું શું કરું ? અઠવાડિયા પહેલા જ સરકારે વટહુકમ બહાર પાડીને બધા જ બાર બંધ કરાવી દીધા છે.. હું…. હું… તે ચોધાર આંસુએ રડી પડી. ડૉ. વિનોદે ઊભા થઈને તેના ખભે હાથ મૂક્યો અને મોઢા પર આંગળી. ‘ચૂપ ! કશું જ હવે કહેવાની જરૂર નથી.’ તેઓ તુરંત જ પાછા ફરી ગયા.
જુલી ડરી ગઈ. હવે શું થશે ? મારો લાલ ! શું તપડી તડપીને મરી જશે ? ના.. ના.. હું કંઈક કરીશ, જરૂર કરીશ. તે પાગલની જેમ ચિલ્લાવા લાગી. અને રડતી રડતી ક્યારે ઢળી પડી તેનું તેને ભાન ના રહ્યું.
બીજે દિવસે બપોરે તેણે ડરતા ડરતા અને રડતા મોંએ હોસ્પિટલમાં ફોન જોડ્યો. તેનું હૈયું બેસી જઈ રહ્યું હતું. પતિના અવસાન બાદ રોહીતને મોટો કરવા તેણે આ કામ સ્વિકાર્યું હતું પણ રોહિતને તેની ખબર ન હતી. પણ હવે….. શું થશે ? તે કેવું વર્તન કરશે મારી સાથે ? સામેથી ફોન પર ફાધર જ આવ્યા અને તેમણે જણાવ્યું કે ઓપરેશન સફળતાપૂર્વક પાર પડી ગયું છે ! રોહિત એકદમ મજામાં છે અને તમને મલવા આતુર છે.. ક્યારે આવો છો ?
તેણે તૂટક તૂટક સ્વરે પૂછ્યું ‘ડો. વિનોદ….’
‘હા…હા, તેમણે જ ઓપરેશન કર્યું છે અને ફી પણ નથી લીધી. તમારો રોહિત નસીબદાર છે. તમારા જેવી જવાબદાર મા મળી છે તેને. અને હા, તમારા, તરફથી મોકલેલું ડોનેશન મેં હોસ્પીટલમાં જમા કરાવી દીધું છે. તમારો ખૂબ ખૂબ આભાર.’
જૂલીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેતો રહ્યો. તેણે મનોમન ડૉ. વિનોદને પ્રણામ કર્યા અને સીમલા જવાની તૈયારી કરવા લાગી.
- PracI Vyas
0
comments
Subscribe to:
Post Comments (Atom)