લીલી નજર
Wednesday, May 21, 2008
ગોંડલથી ઉગમણી દિશામાં ગામથી ત્રણેક માઈલ દૂર ડોક્ટર ખંઢેરીયાની વાડી. વાડીની પૂર્વ બાજુ એક વહેળો. વહેળાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. ઝાડનાં થોડાં ઠૂંઠા ત્યાં વાવેલાં હતા. વહેળામાંથી ઘડો ભરી ભરીને તેને પાણી પાતો એક ડોસો જોવામાં આવતો હતો. પણ વહેળાનાં પાણી ખૂટયાં. એક દિવસ ડોસો ધીમે ધીમે ભેખડ ચડતો ડોક્ટરની વાડી તરફ આવ્યો. ઉંમર એંશીની પાળી વટાવી ગયેલી. કમરેથી વાંકો વળેલો ને ફાટ્યાંતુટ્યાં લૂગડાંવાળો ડોસો ડોક્ટરની વાડી પાસે આવ્યો. ડોક્ટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે કૂવા પાસે ઊંભા હતા.
ડોસાએ હાથનું નેજવું કરી જોતાં દૂરથી પૂછયું;
'બાપા, આ કુવામાંથી બેચાર ઘડા પાણી ભરી લઉં?'
કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્દ સામે ડોક્ટર જોઇ રહ્યા.તેમણે કહ્યું; 'ભાઇ, આ કુવો ભર્યો છે, આ મસ મોટી કૂંડી ભરી છે, એમાં બાપા, પૂછવાનું હોય? તમતમારે ભરી લ્યોને! પણ એ પાણીનું કરશો શું?'
ડોસો નજીક આવ્યો. મલકીને બોલ્યો ; 'બાપા, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય. એટલે પૂછવૂં તો જોઇએને? આ ચારેક ઘડા પાણી તો મારે ઝાડવાંને પાવા જોઇએ છે. જુઓ, સામે ચારપાંચ ઠૂંઠા રોપ્યાં છે ને, ઇ પાંગરી ગયાં છે. જો એને આ ઉનાળો ધ્યાન આપું તો ચોમાસા ભેળાં થઇ જાય, પછી ફિકર નહિ.'
'પણ બાપા, ઠેઠ ગોંડલથી આ દોઢ ગાઉ છેટે આવી ઝાડવાં વાવવાનો અરથ શું?' ડોક્ટરે પૂછ્યું.
'ભાઇ, જુઓ છો ને! આ સામું ગામ દેખાય ત્યાં દોઢ ગાઉ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મન અહીં ઠર્યુ. એટલે મેં ઝાડવાં વાવ્યાં.'
'શું કામ?'
'ભાઇ, ઇય કહી દઉં, પૂછો છો તે. મારો એકનો એક જુવાન દીકરો માંદો પડીને ગુજરી ગયો. એનું કાંઇક સંભારણું ઊગે માટે વાવ્યાં છે. ઝાડવાં મોટાં થશે, એનો છાયોં થાશે, એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. પંખી માળા બાંધીને રે'ઠાણ કરશે અને ટૅટા આવશે તે પંખીને આહાર મળશે. બીજું અમે ગરીબ માણહ શું કરી શકીએ? અમારાથી કાંઇ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવતળાવ ગળાવી શકાય? હાડ હાલે છે ત્યાં સુધી આ સંભારણું મૂકી જવા મે'નત કરીશ. પછી તો મારા રામની મરજી.
'જેનો કંધોતર ઊઠી ગયો છે એવો આ વૃદ્દ નથી નિસાસો નાખતો, નથી ભાંગી પડયો કે નથી ભીખ માગતો. પોતાને હાથે એ નવીન જીવનની કૂંપળોને કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી. પણ મોત સામે જોવાને બદલે એની આંખોમાં ઘટાળાં વૃક્ષો વસ્યાં છે, પંખી કિલકાર કરતાં ઊડી રહ્યાં છે. ડોક્ટરથી અનાયાસ હાથ જોડાઇ ગયા.
તેમણે કહ્યુ; 'બાપા, તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહિ. તમારાં ઝાડવાંની જવાબદારી મારે માથે.' પછી વાડીના પાણોતિયાને હાક મારી બોલાવી કહ્યું; 'સોમા, તું આ બાપાએ વાવેલાં ઝાડવાંને પાણી પાજે, ખામણાં સરખાં કરજે ને ધ્યાન રાખજે.'
વૃદ્દની આંખમાં ઝળહળિયાં આવી ગયાં.પછી સોમો ઊછરતાં થડિયાંને પાણી પાતો. વૃદ્દ દિવસમાં એક વાર આવી ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યાં. પણ બીજે વરસે દેખાયા નહિ.
ઝાડને ડાળીઓ ફૂટી પણ ગોવાળના છોકરાઓએ થડને હલાવી હલાવીને ઉખેડી નાખ્યાં. વૃદ્દ નું સ્વપ્ન ફળ્યું નહિ. પણ ભૈરવની એ જગ્યામાં આથમતા સૂરજનાં કિરણો પડે છે ત્યારે સ્મશાનને કાંઠેથી પણ લીલાછમ જીવનને જોતી એ અનામી વૃદ્દ ની નજર નવો ઉજાસ પાથરી જાય છે.
મકરંદ દવે
1 comments
Preeti_Surat
said...
well done,
Aawa Dosa ne, Doctor ne Dhanya che...badha jo aawu vuchare to??????
Subscribe to:
Post Comments (Atom)