પહેલા મનને નિર્મળ કરો
Monday, April 14, 2008
એક મહાત્મા હતા. કોઈ ઘરમાં ભિક્ષા માંગવા ગયા. ઘરની દેવી એ ભિક્ષા આપી અને હાથ જોડીને બોલી - "મહાત્માજી, કોઈ ઉપદેશ આપો."
મહાત્માએ કહ્યું - "આજ નહીં, કાલે ઉપદેશ આપીશ."
બીજા દિવસે જ્યારે મહાત્મા ભિક્ષા લેવા ગયા ત્યારે પોતાના કમંડલુમાં થોડું ગોબર ભરી ગયા, થોડો કૂડો, થોડા કાંકરા. એ કમંડલુ લઈને દેવીના ઘરે ભિક્ષા લેવા પહોંચી ગયા. દેવી એ એમના માટે ઘણી સારી ખીર બનાવી હતી. એમાં બદામ-પિસ્તા પણ નાંખ્યાં હતા. મહાત્માએ ત્યાં પહોંચતાં જ અવાજ આપ્યો - "ૐ તત્ સત્"
દેવી ખીરનો કટોરો લઈને બહાર આવ્યા. મહાત્માએ પોતાનું કમંડલુ આગળ ધર્યુ. દેવી એમાં જ્યારે ખીર ભરવા ગયા ત્યારે જોયું કે કમંડલુમાં તો કૂડો-કચરો ભરેલો છે. તે તરત જ રોકાઈ ગયા અને બોલ્યા - "મહારાજ, આ કમંડલુ તો ગંદુ છે."
મહાત્મા એ કહ્યું - "હા, ગંદુ તો છે જ. આમાં ગોબર છે, કૂડો છે, પરંતુ હવે શું કરી શકાય? તમે ખીર આમાં જ નાખી દો."
દેવી એ કહ્યું - "નહીં મહારાજ ! આમાં જો હું ખીર આપીશ તો આ સ્વાદિષ્ટ-મધુર ખીર પણ ખરાબ થઈ જશે. મને આ કમંડલુ આપો હું એને સાફ કરી લાવું"
મહારાજ બોલ્યા - "સારું માઁ, તો શું તમે આ કૂડો-કચરો સાફ કરીને પછી ખીર ભરશો?"
દેવી બોલી - "હા, મહારાજ !"
મહારાજ બોલ્યા - "સાંભળો દેવી, તમે ગયી કાલે મારી પાસે જે ઉપદેશ માંગ્યો હતો, તો આ જ મારો ઉપદેશ છે. મનમાં જ્યાં સુધી ચિંતાઓ-કામનાઓ આદિનો કૂડો-કચરો અને ખરાબ સંસ્કારોનું ગોબર ભરેલું છે, ત્યાં સુધી ઉપદેશના અમૃતનો લાભ નહીં થાય. ઉપદેશનો અમૃત પ્રાપ્ત કરવો હોય તો પહેલા મન શુદ્ધ કરવું જોઇએ, ચિંતા-કામના દૂર કરી દેવા જોઇએ, ખરાબ સંસ્કારોને સમાપ્ત કરી દેવા જોઇએ. ત્યારે જ ઈશ્વરનું નામ ત્યાં ચમકી શકે છે અને ત્યારે જ સુખ અને આનંદની જ્યોતિ આગ ઊઠે છે."