વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના
Saturday, August 13, 2011
રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.
પુન:સ્થાપના માટેની આર્થિક સહાય
(અ) લાભ કોને મળવાપાત્ર છે.
1, અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
2, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
3, અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
4, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
5, ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
(બ) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
1, આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
2, લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
3, યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
4, આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
5, 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
6, તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
(ક) અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.
(ડ) અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી.
1, અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
2, અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
3, આવકનો દાખલો.
4, જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
5, અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
6, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
7, અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.
તાલીમ દ્વારા પુન:સ્થાપન યોજના
(અ) યોજના હેતુ :
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.
(બ) લાભ કોને મળી શકે ?
1, 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે.
2, નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ.
3, ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે.
4, સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે.
5, સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.
બહુ સરસ જાણકારી છે, આશા રાખી કે આની ક્યારેય જરૂર ના પડે....
આ માહિતિ બહુ સરસ છે યોગ્ય વ્યક્તિ સુધી માહિતિ પહોંચડાવાનો સરસ પ્રયત્ન છે..... પાર્થેશ