Friday, May 30, 2008
તારી અને મારી વચ્ચે…
કોણ મુકી ગયુ છે,
આ એકલતા ?
હું એ અજાણ્યા હાથોને શોધુ છું
અને દરેક વખતે…
મને હાથ લાગ છે…
તારા જ આ બે જાણીતા હાથ…
કાળી રાત જેવા…
કાળોતરા નાગ જેવા…
આ અંધકારમાં…
હું મારી એકલતાને વિનવુ છું…
તારી યાદોને તેની પાસેથી છિનવુ છું…
અને અંતે, જ્યારે તું નથી મળતી…
ત્યારે, પાંપણો ભિંજવુ છું…
છતાં તારા અને મારા વચ્ચે …
એક પ્રવાહ અવિરત વહ્યા કરે છે…
તારી અને મારી વચ્ચે, કહે ને…
કોણ મુકી ગયુ છે આ, એકલતાની નદી…?
-રાજીવ ગોહેલ
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
- અમૃત ઘાયલ
Wednesday, May 21, 2008
ગોંડલથી ઉગમણી દિશામાં ગામથી ત્રણેક માઈલ દૂર ડોક્ટર ખંઢેરીયાની વાડી. વાડીની પૂર્વ બાજુ એક વહેળો. વહેળાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. ઝાડનાં થોડાં ઠૂંઠા ત્યાં વાવેલાં હતા. વહેળામાંથી ઘડો ભરી ભરીને તેને પાણી પાતો એક ડોસો જોવામાં આવતો હતો. પણ વહેળાનાં પાણી ખૂટયાં. એક દિવસ ડોસો ધીમે ધીમે ભેખડ ચડતો ડોક્ટરની વાડી તરફ આવ્યો. ઉંમર એંશીની પાળી વટાવી ગયેલી. કમરેથી વાંકો વળેલો ને ફાટ્યાંતુટ્યાં લૂગડાંવાળો ડોસો ડોક્ટરની વાડી પાસે આવ્યો. ડોક્ટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે કૂવા પાસે ઊંભા હતા.
ડોસાએ હાથનું નેજવું કરી જોતાં દૂરથી પૂછયું;
'બાપા, આ કુવામાંથી બેચાર ઘડા પાણી ભરી લઉં?'
કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્દ સામે ડોક્ટર જોઇ રહ્યા.તેમણે કહ્યું; 'ભાઇ, આ કુવો ભર્યો છે, આ મસ મોટી કૂંડી ભરી છે, એમાં બાપા, પૂછવાનું હોય? તમતમારે ભરી લ્યોને! પણ એ પાણીનું કરશો શું?'
ડોસો નજીક આવ્યો. મલકીને બોલ્યો ; 'બાપા, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય. એટલે પૂછવૂં તો જોઇએને? આ ચારેક ઘડા પાણી તો મારે ઝાડવાંને પાવા જોઇએ છે. જુઓ, સામે ચારપાંચ ઠૂંઠા રોપ્યાં છે ને, ઇ પાંગરી ગયાં છે. જો એને આ ઉનાળો ધ્યાન આપું તો ચોમાસા ભેળાં થઇ જાય, પછી ફિકર નહિ.'
'પણ બાપા, ઠેઠ ગોંડલથી આ દોઢ ગાઉ છેટે આવી ઝાડવાં વાવવાનો અરથ શું?' ડોક્ટરે પૂછ્યું.
'ભાઇ, જુઓ છો ને! આ સામું ગામ દેખાય ત્યાં દોઢ ગાઉ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મન અહીં ઠર્યુ. એટલે મેં ઝાડવાં વાવ્યાં.'
'શું કામ?'
'ભાઇ, ઇય કહી દઉં, પૂછો છો તે. મારો એકનો એક જુવાન દીકરો માંદો પડીને ગુજરી ગયો. એનું કાંઇક સંભારણું ઊગે માટે વાવ્યાં છે. ઝાડવાં મોટાં થશે, એનો છાયોં થાશે, એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. પંખી માળા બાંધીને રે'ઠાણ કરશે અને ટૅટા આવશે તે પંખીને આહાર મળશે. બીજું અમે ગરીબ માણહ શું કરી શકીએ? અમારાથી કાંઇ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવતળાવ ગળાવી શકાય? હાડ હાલે છે ત્યાં સુધી આ સંભારણું મૂકી જવા મે'નત કરીશ. પછી તો મારા રામની મરજી.
'જેનો કંધોતર ઊઠી ગયો છે એવો આ વૃદ્દ નથી નિસાસો નાખતો, નથી ભાંગી પડયો કે નથી ભીખ માગતો. પોતાને હાથે એ નવીન જીવનની કૂંપળોને કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી. પણ મોત સામે જોવાને બદલે એની આંખોમાં ઘટાળાં વૃક્ષો વસ્યાં છે, પંખી કિલકાર કરતાં ઊડી રહ્યાં છે. ડોક્ટરથી અનાયાસ હાથ જોડાઇ ગયા.
તેમણે કહ્યુ; 'બાપા, તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહિ. તમારાં ઝાડવાંની જવાબદારી મારે માથે.' પછી વાડીના પાણોતિયાને હાક મારી બોલાવી કહ્યું; 'સોમા, તું આ બાપાએ વાવેલાં ઝાડવાંને પાણી પાજે, ખામણાં સરખાં કરજે ને ધ્યાન રાખજે.'
વૃદ્દની આંખમાં ઝળહળિયાં આવી ગયાં.પછી સોમો ઊછરતાં થડિયાંને પાણી પાતો. વૃદ્દ દિવસમાં એક વાર આવી ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યાં. પણ બીજે વરસે દેખાયા નહિ.
ઝાડને ડાળીઓ ફૂટી પણ ગોવાળના છોકરાઓએ થડને હલાવી હલાવીને ઉખેડી નાખ્યાં. વૃદ્દ નું સ્વપ્ન ફળ્યું નહિ. પણ ભૈરવની એ જગ્યામાં આથમતા સૂરજનાં કિરણો પડે છે ત્યારે સ્મશાનને કાંઠેથી પણ લીલાછમ જીવનને જોતી એ અનામી વૃદ્દ ની નજર નવો ઉજાસ પાથરી જાય છે.
મકરંદ દવે
એક સાધુ ઉપર રાજા ગુસ્સે થયો. રાજાએ કહ્યુઃ "એને એકાંતવાસ આપો."
થોડા મહિના પછી રાજાએ આ સાધુની મુલાકાત લીધી તો એ પ્રસન્ન દેખાયો."કેમ એકાંતવાસની તારા પર કોઇ અસર ન થઇ?"
"વાહ, કેમ અસર ન થાય? જુઓ મેં કેટલું બધું વાચ્યું! જીવનના કોલાહાલમાં કેટલું બધું વાંચવાં જેવું હતુ, એ વાંચી શકતો નહોતો, તમે મને તક આપી."
રાજા ગુસ્સે થયો. તેણે બધાં પુસ્તકો જેલમાંથી હટાવી લીધાં. થોડાક મહિના પછી રાજા તેને મળવા ગયો. હવે તો આ સાધુ આજીજી કરશે, કરગરશે એવી આશા રાજાને હતી.પણ સાધુ તો એજ પ્રસન્નતા સાથે બેઠો હતો.
"કેમ? હવે કઇ બાબતને કારણે તું રાજી રહે છે?" રાજાએ આસ્ચર્યથી પૂછયું.
"કેટલું બધું લખવાનું હતું! આ થોડા મહિનામાંજ એ થઇ શકયું." સાધુએ કહ્યું.
રાજાએ કહ્યું; "લખવાની તમામ સામગ્રી લઇ લેવાનું હું ફરમાન કરીશ!"
"તો તો મોટો ઉપકાર. કેટલું બધું વિચારવાનું છે પણ વિચારવાનો સમય જ મળતો નથી! ક્રુપા કરી કલમ, કાગળ બધુ જ લઇ જાવ. હું કંઇક વિચારી શકું."
હવે રાજા લગભગ નિરુપાય થઇ ગયો. છેલ્લા શસ્ત્ર તરીકે એણે કહ્યું; "તારી વિચારશકતિજ કુંઠિત થઇ જાય એવું ઔશધ તને આપી દઉં તો ..."
"વાહ, એનાથી રુડું શું? સાધુએ કહ્યું.
"કેમ?""પછી મારે વિચાર જ નહીં કરવાનો. ભગવાન જ મારા વતિ વિચાર કરશે .... " રાજાએ એ સાધુને છોડી મુકયો.
આપણૅ ક્યારેક આવી સ્થિતિમાં મુકાઇએ તો ટકી શકીએ ખરા? આપણાં સંતાનોને પણ ક્યારેક આવી સ્થિતિમાં મુકાવું પડે તો ભાંગી તો નહીં પડે ને! પ્રત્યેક બાળક એકલતામાં ઉછરે છે અને સ્રુષ્ટિના અજાણ્યા ચહેરાંઓ વચ્ચે ફંગોળાય છે. શાળાએ જાય ત્યારે, કોલેજમાં કે જીવનનાં પ્રત્યેક તબક્કે એકલતાને અજાણ્યા ટોળાનો મુકાબલો કરવો પડે છે અને જીવ માંડ ટોળાથી ટેવાતો થાય,ત્યાં એને એકલતા સાથે હળીને રહેવાનો સમય આવી પહોંચે છે.બહુ જુદા સંદર્ભમાં ઓકતાવિયો પાઝે તેના એક નિબંધમાં લખ્યુ છે; "બીજા ઘણા આપણી માફક એકલા પડી ગયા છે એ આપણે ભૂલી ગયા છીએ ... આપણે સ્વીકારવું જોઇએ કે આપણું એકલાપણું કંઇ નવાઇની વાત નથી."
કોઇ કવિની પંકતિ યાદ આવે છે;
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે.
હરીન્દ્ર દવે
Tuesday, May 20, 2008
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
- રમેશ પારેખ
લોર્ડ મેકેલોએ 1835 માં ભારત વિશે બ્રિટીશ પાર્લામેંટમા કહેલા શબ્દો..."
મે ભારતની ઉતર-દક્ષિણ અને પૂર્વ-પશ્વિમ પ્રવાસ કરેલો છે અને મે એકેય એવો વ્યક્તિ નથી જોયો જે ભિખારી હોય, જે ચોર હોય. મે આ દેશમાં એટલી સંપતી જોઈ છે, ઉંચા સંસ્કારો અને આવડત જોઇ છે, કે મને લાગે છે કે આપણે આ દેશને કદી પણ હરાવી નહી શકીએ જ્યાં સુધી આપણે આ દેશનો મૂળ પાયો ના તોડીએ કે જે તેની આધ્યાત્મિક અને સાંસ્ક્રુતિક ધરોહર છે. અને તેથી હું તેની જુની અને પ્રાચીન શિક્ષણ પધ્ધતિ અને સંસ્ક્રુતિ બદલવાનો પ્રસ્તાવ મુકુ છુ. ભારતીયો જે વિચારે છે કે જે પણ વિદેશી અને અંગ્રેજી છે તે સારુ છે અને તેના કરતા ઉચુ છે, તેઓ તેનુ સ્વાભિમાન અને પોતાની સંસ્ક્રુતિ ગુમાવશે. અને આપણે જે બનાવા માંગીએ છીએ તે બની જશે -એક પૂર્ણ ગુલામ દેશ."
Sunday, May 18, 2008
સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો
ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું
તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો
બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો
જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો
ઘણાં એવાંય ઘર છે જ્યાં જરૂરત પણ નથી તોયે
બહુ નફ્ફટ બનીને રોજ પહોંચી જાય છે તડકો
રખડતો જીવ તો છે પણ-સ્વભાવે બહુ સ્વમાની છે
અમુક ઘરના તો ઉંબરામાંથી ભાગી જાય છે તડકો
હજારો વર્ષ વિત્યાં તોય શિષ્ટાચાર ના શીખ્યો
કોઈ બોલાવે, ના બોલાવે આવી જાય છે તડકો
જગતની ભીની ઝૂલ્ફોનાં રહસ્યો એ જ જાણે છે
વીતી છે રાત કઈ રીતે એ વર્તી જાય છે તડકો
કોઈ રોનકભર્યાં ખંડેરમાં જઈ “સૈફ” જોઈ આવો
બહુ જો થાક લાગે તો બેસી જાય છે તડકો.
-’સૈફ’ પાલનપુરી
શક્ય હો તો રાખ તુ વિશ્વાસ આ મૃગજળ ઉપર,
જોય લે જીવી રહ્યા છે કેટલા અટકળ ઉપર.
એ હજુ બેઠી નથી ને ત્યાંજ પાછી ભાગશે,
સુર્ય તારો ખુબ અત્યાચાર છે ઝાકળ ઉપર.
પ્રેમ પાતી મોકલું તો પણ હવે હું શી રીતે?
હું ભરોસો કેમ રાખું ભાગતા વાદળ ઉપર?
એ કદાચિત દ્વાર ખોલીને મને બોલાવશે,
ક્યારનો ખોડીને બેઠો છું નજર સાંકળ ઉપર.
માંડવાળી થઇ જવા દે આજ આખી વાતની,
જોઇ લેશું જે બધું બકિ રહે આગળ ઉપર.
હો ભલે ને વાત મોઢાની, જરી તો વિશ્વાસ કર,
શક્ય ક્યારે હોય છે લખવું બધું કાગળ ઉપર.
પંકજભાઇ ભટ્ટ.
Tuesday, May 6, 2008
સંસ્કૃત ભાષામાં પાણી માટે ૧૦૮ શબ્દો વપરાય છે. પાણી એટલે જળ અને પાણિ એટલે હાથ, અંહી પાણી ને અનુલક્ષી ને વપરાતી કહેવતોને જોઇએ.....
૧) પાણીચું પકડાવી દેવું - નોકરી ધંધામાંથી છૂટા કરવા.
૨) પેટનું પાણી ના હલવુ- કંઇજ અસર ના થવી.
૩) પાણી માપવુ- તાકાત નો અંદાજ કાઢવો.
૪) પાણીથી પાતળા થ ઇ જવુ- ખુબ જ સરળ બની જવુ.
૫) ઊંડા પાણીમાં ઉતરવુ- સાહસ કરવુ.
૬) પાણી પહેલા પાળ બાંધવી- મુશ્કેલી આવે તે પહેલા તેનો ઉપાય શોધી રાખવો.
૭) ધોકાના માર્યા પાણી જુદા ન પડવા- કોઇની ચડામણી થી સંબધ ના તુટે.
૮) પાણી પાણીના ઢાળે ઉતરે- હેમખેમ કાર્ય પૂર્ણ થઇ જવુ.
૯) માથે પાણી નાખવુ- છોકરીનુ સ્ત્રીત્વ પામવુ.
૧૦) પાણીમાંથી પોરા કાઢવા- ન હોય તેવા નાના દોષો બતાવવા.
૧૧) ઘેર બેસાડવો - નોકરી ધંધામાંથી છુટો કરી દેવો.
૧૨) ઘર ઘસી નાખવું - કોઇની પાછળ વધુ પડતો ખર્ચ કરી દેવો.
૧૩) ઘર ઉંદરડી - ઘરમાંથી બહાર ન નીકળતી સ્ત્રી.
૧૪) ભેંસ ભાગોળે,છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ- પ્રસંગ બને તે પહેલા જ તેની ચર્ચા.
૧૫) ઘરનો મોભ તુટવો - જવાબદાર વ્યક્તિનું મોત થવું.
૧૬) ઘર માંડવું - પત્નિ તરિકે રહેવુ.
૧૭) ઘરનો ઉંબરો ઓળંગવો - મર્યાદા વટાવવી.
૧૮) બળતુ ઘર કૃષ્ણાર્પણ કરવું - પોતાને કષ્ટ આપતી વસ્તુ બીજાને આપવી.
૧૯) વાપરે તેનુ ઘર - માલિક ગમે તે હોય ભોગવે તે ભાગ્યશાળી.
૨૦) મામાનુ ઘર કેટલે દિવો બળે એટલે - સત્ય સમય આવ્યે સમજાશે.
Saturday, May 3, 2008
આ ટોપિક માં ગુજરાતી ભાષામાં કહેવતો અને રૂઢિપ્રયોગો નો કેવો ઉપયોગ થાય છે દર્શાવવા માટે આ ટોપિક ની શરૂઆત કરેલ છે. શરૂઆત ઘર થી કરી એ તો કેવુ રહેશે????ઘર અને મકાન સાહિત્યની દ્રષ્ટિએ અલગ સંકલ્પના ધરાવે છે. ઇંટ, ચુનો, પત્થર, લોખંડ સિમેન્ટથી જે સંકુલ બને તે મકાન અને તેમાં લાગણી ના તાણાવાણા અને લોહી ના સંબધ મળે ત્યારે મકાન ઘર બને. ઘર ઉપર કહેવાતી કહેવતો અને રૂઢિપ્રયોગો અહી આપણે સહુ માણીશુ....
૧) ઘર તૂટવું- ઘરફોડ ચોરી થવી
૨) ઘર વખા ઇ જવુ - પાછળ વારસ ના હોવો
૩) ઘર ભાંગવું - વિધવા કે વિધુર બનવુ
૪) ઘર રખો - મતલબી, પોતાનુ બીજાને ન આપનાર
૫) ઘર ગણવા - જ્યાં ત્યાં ભટકવું
૬) ઘરનાં છોકરાઘંટી ચાટે ને પાડોશી ને આટો- પોતાના સ્વજનો ને બદલે બીજાને ન્યાલ કરવા.
૭) ઘર ગધેડે ચડાવવું - પરિવારની આબરું જાય તેવું કામ કરવું
૮) ઘર ગાંડુ કરવુ- શોધ ખોળ માટે ખુબ પરિશ્રમ કરવો
૯) ઘેર ઘેર માટી ના ચુલા- બધી જગ્યાએ સમાન પરિસ્થિતી હોવી.
૧૦) ઘર વાસ થવો - લગ્ન ગ્રંથી થી જોડાવુ.